માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન

માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન

માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના વિદ્યાર્થીઓ દ્વારા તા. ૦૩/૦૮/૨૦૨૬ રોજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ તથા સમાજમાં બંધારણીય જાગૃતિ, નાગરિક અધિકારો અને ફરજો, સાયબર સુરક્ષા, મહિલા સુરક્ષા, બાળ સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણ તથા ગ્રાહક અધિકારો જેવા મહત્વપૂર્ણ વિષયો અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.

વિદ્યાર્થીઓ દ્વારા નીચેના વિવિધ વિષયો પર અસરકારક રીતે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું:

ધર્મેન્દ્રસિન્હજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા મૂળભૂત ફરજો, સાયબર સુરક્ષા, યુવાનો અને જવાબદાર નાગરિક, માહિતીનો અધિકાર, તેમજ ક્લાઉડ કિચન અને ગ્રાહક સુરક્ષા જેવા મહત્વપૂર્ણ અને વર્તમાન સમયને અનુરૂપ વિષયો પર જનજાગૃતિ કરવામાં આવી હતી.

તેમજ રાષ્ટ્રીય શાળા મહિલા કોલેજ, રાજકોટ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ભારતના બંધારણમાં સ્ત્રીઓ અંગેની જોગવાઈઓ, આબોહવા પરિવર્તન, POCSO Act એટલે કે બાળકોને જાતીય ગુનાઓથી રક્ષણ આપતો કાયદો, માહિતીનો અધિકાર, તેમજ ડિજિટલ યુગમાં મહિલા સુરક્ષા અને સાયબર પ્રોટેક્શન જેવા વિષયો પર અસરકારક રીતે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જનજાગૃતિ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પસંદ કરાયેલા વિષયો અંગે સરળ ભાષામાં માહિતી રજૂ કરી હતી અને ઉપસ્થિત વિદ્યાર્થીઓને તેમના અધિકારો, ફરજો તથા વર્તમાન સમયમાં ઊભા થતા વિવિધ પડકારો અંગે માહિતગાર કર્યા હતા. ખાસ કરીને સાયબર સુરક્ષા, ડિજિટલ યુગમાં મહિલા સુરક્ષા, POCSO, RTI, બંધારણીય ફરજો અને ગ્રાહક અધિકારો જેવા વિષયો અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ માટે માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના અધ્યક્ષશ્રી ડૉ. ભગીરથસિંહ માંજરિયા દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સમાજમાં કાયદાકીય અને માનવ અધિકાર સંબંધિત જાગૃતિ ફેલાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને આવા જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા કાયદાના જ્ઞાનને સમાજ સુધી પહોંચાડવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

તેમજ ભવનના અધ્યાપકશ્રી ડૉ. સાગર અમીપરા વિદ્યાર્થીઓ સાથે રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન, પ્રોત્સાહન તથા સહયોગ પૂરો પાડ્યો હતો.

વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસપૂર્વક વિવિધ વિષયો રજૂ કરી પોતાના શૈક્ષણિક જ્ઞાનને વ્યવહારિક સ્વરૂપ આપ્યું હતું. કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં કાયદાકીય જાગૃતિ, જાહેર વક્તૃત્વ કૌશલ્ય, સામાજિક જવાબદારી અને માનવ અધિકારો પ્રત્યેની સંવેદનશીલતા વિકસાવવામાં પણ નોંધપાત્ર યોગદાન મળ્યું હતું.

પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા કાયદાના શિક્ષણને માત્ર વર્ગખંડ પૂરતું મર્યાદિત રાખી તેને સમાજ સુધી પહોંચાડવાનો અને વિદ્યાર્થીઓને જવાબદાર તથા જાગૃત નાગરિક તરીકે ઘડવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

 


Published by: Department of Human Rights and International Humanitarian Laws

03-08-2026